Pervez Musharraf: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા

Pakistan former dictator Pervez Musharraf sentenced to death: પાકિસ્તાન (Pakistan) ની વિશેષ અદાલતે આઠ વર્ષસુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) ને દેશદ્રોહના મામલે ફાંસીની સજા (Death Penalty) સંભળાવી છે. 

Pervez Musharraf: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ની વિશેષ અદાલતે આઠ વર્ષસુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) ને દેશદ્રોહના મામલે ફાંસીની સજા (Death Penalty) સંભળાવી છે. 3 નવેમ્બર 2007ના રોજ ઈમરજન્સી લાગુ કરવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત જાહેર કરવામાં આવ્યાં હતાં અને અભિયોજન પક્ષે તે જ વર્ષ સપ્ટેમ્બરમાં વિશેષ અદાલત સમક્ષ પુરાવા પણ રજુ કર્યા હતાં. મુશર્રફે માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દીધુ હતું અને હાલ તેઓ દુબઈમાં રહે છે. 

પૂર્વ સૈન્ય શાસક અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)  વિરુદ્ધના કેસની સુનાવણી પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ શેઠના નેતૃત્વવાળી વિશેષ અદાલતની 3 સભ્યોવાળી બેન્ચે કરી છે. મુશર્રફ પર 3 નવેમ્બર 2007માં ઈમરજન્સી લાગુ કરવા બદલ દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનની પૂર્વ મુસ્લિમ લીગ નવાઝ સરકારે આ કેસ દાખલ કર્યો હતો અને 2013થી તે પેન્ડિંગ હતો. ડિસેમ્બર 2013માં કેસ દાખલ થયો હતો. વિવિધ અરજીઓ દાખલ થવાના કારણે પૂર્વ સૈન્ય શાસકના કેસમાં વાર લાગી અને તે અદાલતો અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ માર્ચ 2016માં પાકિસ્તાન (Pakistan) થી છોડી દુબઈ જતા રહ્યાં હતાં. 

2-1 મતથી મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી
ત્રણ સભ્યોની જજોની પેનલે 2-1 મતથી આ ચુકાદો આપ્યો છે. ચુકાદો વિસ્તૃતપણે 48 કલાકમાં બહાર પાડવામાં આવશે. ડોન ન્યૂઝના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. પૂર્વ સૈન્ય શાસકે વર્ષ 1999થી 2008 એમ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં રાજ કર્યું હતું.

28 નવેમ્બરના રોજ ચુકાદો આપવા પર  લાગી હતી રોક
આ અગાઉ 3 જજોની પેનલે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે દેશદ્રોહના મામલે 17 ડિસેમ્બરે ચુકાદો આપવામાં આવશે. ઈસ્લામાબાદ હાઈ કોર્ટે દુબઈમાં રહેતા મુશર્રફ અને પાકિસ્તાનની સરકાર તરફથી દાખલ અરજીઓ પર સુનાવણી કરતા વિશેષ કોર્ટને 28 નવેમ્બરના રોજ ચુકાદો આપતા રોક લગાવી હતી. 

જુઓ LIVE TV

થોડા દિવસ પહેલા હોસ્પિટલથી બહાર પાડ્યો હતો વીડિઓ
ગત સપ્તાહે વિશેષ અદાલતે 76 વર્ષના મુશર્રફને દેશદ્રોહના મામલે પાંચ ડિસેમ્બરના રોજ નિવેદન રેકોર્ડ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ દુબઈમાં રહેતા મુશર્રફે સમર્થકો માટે સંદેશો બહાર પાડતા કહ્યું હતું કે તેઓ ખુબ બીમાર છે અને પાકિસ્તાન આવીને નિવેદન નોંધાવી શકે તેમ નથી. પાકિસ્તાની મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું કે મુશર્રફ એક દુર્લભ પ્રકારની બીમારી અમિલોઈડોસિસથી પીડિત છે. આ  બીમારીના કારણે વધેલુ પ્રોટીન શરીરના અંગોમાં જમા થઈ જાય છે. હાલ મુશર્રફ સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news